Tuesday, September 9, 2008

સંબંધના બે હાથ વડે સેતુ બાંધીએ,

વિશ્વાસના કિનારા તરફ નૌકા હાંકીએ.

થોડું તૂટેલ હોય તો લૂગડુંય સાંધીએ,

આકાશને તો થીગડાં જેવું શું મારીએ?

ખૂશ્બૂ, સુંવાળા કલરવો કંઇ કામના નથી,

ટહુકાનું પોટલું ભરી પતઝડને આપીએ,

કાંઠે ઊભો’તો તોય હવાને ગળી ગયો,

જળના તમામ પરપોટાને ફોડી નાખીએ.

અત્તર થવાનું એ જ શરત પર મને ગમે,

અવસર ફૂલોના મોતનો હો શોક પાળીએ.

કીર્તન-કથા, પૂજામાંય માણસને રસ નથી,

પંડિત વિચારે છે કે ગઝલ જેવું ગાઇએ.

ભીંતોની આપમેળે કરૂપતા ઘટી જશે,

એકાદ ભીંતે એમની તસવીર ટાંગીએ.

- નીલેશ પટેલ

No comments: